રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના !


રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના,
થોડા અમે મૂંઝાઈ મનમાં મરી જવાના?

નિજ મસ્ત થઈ જીવન આ પૂરું કરી જવાના,
બિન્દુ મહીં ડૂબીને સિન્ધુ તરી જવાના!

કોણે કહ્યું કે ખાલી હાથે મરી જવાના?
દુનિયાથી દિલના ચારે છેડા ભરી જવાના!

છો ને ફર્યા, નથી કંઈ દી’થી ડરી જવાના!
એ શું કરી શક્યા છે, એ શું કરી જવાના!

મનમાં વિચાર શું છે? અવિરામ કંઈ દીપક છે
પ્રકાશ આંધીઓમાં પણ પાથરી જવાના!

એક આત્મબળ અમારું દુ:ખ માત્રની દવા છે,
હર જખ્મને નજરથી ટાંકા ભરી જવાના!

સ્વયં વિકાસ છીએ, સ્વયં વિનાશ છીએ!
સ્વયં ખીલી જવાના, સ્વયં ખરી જવાના!

સમજો છો શું અમોને સ્વયં પ્રકાશ છીએ!
દીપક નથી અમે કૈં ઠાર્યા ઠરી જવાના!

અય કાળ, કંઈ નથી ભય, તું થાય તે કરી લે,
ઈશ્વર સમો ધણી છે થોડા મરી જવાના!

દુનિયા શું કામ ખાલી અમને મિટાવી રહી છે?
આ ખોળિયું અમે ખુદ ખાલી કરી જવાના.

અમૃત ‘ઘાયલ’

Comments

Popular posts from this blog

Out in the fields with God

Life

Stray birds